fbpx

નિરાશ થઈને મંદિરમાંથી જતા રહેલા તુલસીદાસને જ્યારે ભગવાન જગન્નાથે ભાતનો પ્રસાદ મોકલ્યો

નિરાશ થઈને મંદિરમાંથી જતા રહેલા તુલસીદાસને જ્યારે ભગવાન જગન્નાથે ભાતનો પ્રસાદ મોકલ્યો

એક વખત ગોસ્વામી તુલસીદાસ ભગવાન જગન્નાથના દર્શન કરવા પુરી પહોંચ્યા. મંદિરની બહાર બહુ જ ભીડ હતી. ભાવિકોનું પૂર જોઈને તુલસીદાસના હરખનો પાર ન રહ્યો. પરંતુ જેવા અંદર ગયા તો આ શું!? મૂર્તિ જોઈને તેઓ નિરાશ થઈ ગયા. મનમાંને મનમાં તેઓ બબડ્યા, આવા હાથપગ વિનાના મારા ઇષ્ટ ન હોઈ શકે.

મંદિરની બહાર નીકળીને તેઓ એક વૃક્ષ નીચે જઈને બેસી ગયા.
‘અહીં આવવાનો ફેરો ફોગટ ગયો.’, જાત સાથેવાતની માંડણી કરી.
લાંબા અંતરની પદયાત્રા કરી હતી. છેક અયોધ્યાથી પુરીની. દિવસોનો થાક અચાનક પિંડીમાં કળવા લાગ્યો. અંગ તૂટવા લાગ્યું. કકડીને ભૂખ લાગી હતી, તરસ પણ લાગી હતી અને જેના દર્શન માટે આવ્યા હતા એ ન મળતા ઘોર નિરાશા ઘેરી વળી હતી. ભૂખ, તરસ, થાક અને નિરાશાના ચોવડા મારે તેમને બિમાર જેવા બનાવી દીધા. આ સ્થિતિમાં તેઓ ઝાડ નીચે આડે પડખે થયા. રાત પડી.

‘‘બાબા તુલસીદાસ કોણ છે?’’, એક છોકરો તેમને શોધતો-શોધતો આવ્યો. આઠ-નવ વર્ષનું બાળક સમજી લો.
‘‘હા, હું જ છું તુલસીદાસ, બોલો?’’ કાનમાં શબ્દો અથડાતા ચકિત થયેલા ગોસ્વામી માંડ-માંડ બેઠા થયા.
‘‘આ લો, જગન્નાથજીએ તમારા માટે પ્રસાદ મોકલ્યો છે.’’ બાળકના હાથમાં થાળી હતી.
‘‘મહેરબાની કરીને આ પ્રસાદ પાછો લઈ જાવ.’’ ગોસ્વામીના હૃદયમાં રહેલી ખીન્નતા વિસ્તરીને જીભ સુધી પહોંચી ગઈ.
‘‘જગન્નાથ કા ભાત, જગત પસારે હાથ. અને તમે પ્રસાદનો ઇનકાર કરો છો?’’
‘‘હું મારા ઇષ્ટને ભોગ લગાવ્યા વિના કશું ખાતો નથી. વળી, જગન્નાથનો એંઠો પ્રસાદ હું મારા ઇષ્ટને ન ધરી શકું? આ પ્રસાદ મારે કોઈ કામનો નથી.’’
‘‘બાબા, તમારા ઇષ્ટે જ આ પ્રસાદ મોકલ્યો છે.’’, બાળકના ચહેરા પર શરારતી સ્મિત હતું.
‘‘એ હાથ-પગ વિનાનો મારો ઇષ્ટ ન હોઈ શકે.’’, તુલસીદાસની આંખ પરથી પડળ હટવાનું નામ લઈ રહ્યા નહોતા.
‘‘‘શ્રીરામચરિતમાનસ’માં તો તમે લખ્યું છે,
બિનુ પદ ચલઈ, સુનઈ બિનુ કાના,
કર બિનુ કર્મ કરઈ બિધિ નાના.
આનન રહિત સકલ રસ ભોગી,
બિનુ બાની બકતા બડ જોગી.’’
સામે ઊભેલા બાળકે આ ચોપાઈ ગાઈ કે તરત તુલસીદાસની આંખોમાંથી અશ્રુધોધ વહેવા લાગ્યો. આંસુઓના એ સાગરમાં પેલા પડદા ઓગળી ગયા. નેત્રો ખૂલી ગયા. અંધકાર વિખેરાઈ ગયો.
બાળક અંતર્ધાન થઈ ગયો અને ગેબી અવાજ સંભળાયો, ‘હું જ રામ છું. મંદિરની ફરતે હનુમાનનો પહેરો છે. વિભિષણ નિત્ય મારા દર્શન માટે આવે છે. આવતીકાલે સવારે તમે પણ આવીને દર્શન કરી જજો.’

તુલસીદાસે ભોઠપ અને હર્ષ મિશ્રિત લાગણી સાથે પ્રસાદ ગ્રહણ કર્યો. એ પ્રસાદની મીઠાશ જ કંઈક ઓર હતી. જાણે કે પ્રભુએ આજે તેના ભક્તને ભોગ ધર્યો હતો. વહેલી સવારે તેઓ પુરીના મંદિરમાં દર્શન માટે પ્રવેશ્યા તો જગન્નાથની મૂર્તિમાં તેમને સાક્ષાત રામના દર્શન થયા. કલાકો સુધી તેઓ મગ્ન બની રહ્યા.
સાચી ભક્તિ હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સાચી ભક્તિ હશે તો ભગવાન પોતે સામે ચાલીને આપણા અજ્ઞાનનો અંધકાર દૂર કરી દેશે.
તુલસીદાસે જ્યાં રાત વિતાવી હતી તે તુલસી ચોરા તરીકે ઓળખાય છે અને તેમની પીઠ બછડતા મઠ તરીકે પ્રતિષ્ઠિત છે.
જય જગન્નાથ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Recent Post

ધન રાશિ

ધન રાશિનું પ્રતીક છે, ધનુર્ધારી અર્ધમાનવ અને અર્ધઅશ્વ. ધન રાશિના જાતકો ધાર્મિક હોય છે. ફિલોસોફર હોય

Read More »

વૃશ્ચિક રાશિ.

વૃશ્ચિક રાશિનું પ્રતીક છે, વીછીં. વૃશ્ચિક રાશિના જાતકોનો સ્વભાવ ડંખીલો હોય છે. તેમનું મન બેચેન રહે

Read More »

તુલા રાશિ

તુલા રાશિનું પ્રતીક છે, ત્રાજવાધારી પુરુષ. તુલા રાશિના જાતકો જીવનમાં સંતુલન રાખીને ચાલનારા હોય છે. તેઓ

Read More »
Scroll to Top