fbpx

ગુરૂ મીનમાં માર્ગીઃ કઈ રાશિના જાતકો પર શું અસર થશે?

ગુરૂ મીનમાં માર્ગીઃ કઈ રાશિના જાતકો પર શું અસર થશે?

જ્યોતિષશાસ્ત્રમાં ગુરૂને જ્ઞાનકારક માનવામાં આવ્યો છે. ગુરૂ જ્ઞાન, વિદ્યા, આધ્યાત્મ, ફાયનાન્સ વગેરેનો કારક ગ્રહ મનાય છે. જેમની કુંડળીમાં ગુરૂ મજબૂત હોય તેમને પૈસાની કમી રહેતી નથી, સાથોસાથ તેમનામાં ડહાપણ રહેલું હોય છે. જેમનો ગુરૂ નબળો હોય તેમને ઓછું ભણતર, નિર્ધનતા અને અજ્ઞાન ઘેરી વળે છે. ગોચરમાં 29 જૂલાઈ 2022થી ગુરૂ મહારાજ વક્રી હતા. કોઈ પણ ગ્રહ વક્રી હોય ત્યારે અણધાર્યુ સારું અથવા અણધાર્યું ખરાબ ફળ આપે છે. કોઈ પણ ગ્રહ વક્રી હોય ત્યારે પાછળની રાશિમાં પણ ફળ આપે છે. આથી ગુરૂ માર્ગી થતા જીવન અને જગતમાં નોંધપાત્ર પરિવર્તનો આવી શકે છે. ગુરૂ 24 નવેમ્બર 2022ના રોજ સવારે 4.09 વાગ્યાથી માર્ગી થયો છે. વક્રી હોય ત્યારે અટકેલા કાર્યો હવે પૂર્ણ થશે. આધ્યાત્મિક બેન્કિંગ, ફાયનાન્સ, વિદેશને લગતી બાબતો માટે સારો સમય રહેશે. સમુદ્ર વેપારની સ્થિતિ સૂધરશે. પાર્ટનરશીપ બિઝનેસ, સૌંદર્ય તથા કળાને લગતા બિઝનેસના યોગ ખૂલશે. નેતાઓ માટે સારો સમય છે. એ સિવાય કઈ રાશિના જાતકોને શું અસર થશે, તેના પર એક નજર કરીએ-

મેષઃ તમારી કુંડળીમાં ગુરૂ બારમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. ચોથા, છઠ્ઠા અને આઠમા સ્થાન પર તેની દૃષ્ટિ છે. વિદેશ યાત્રાના યોગ છે. માતા અને મિલકત સંબંધિત ફાયદો થઈ શકે છે. આકસ્મિક લાભ થશે. પરિવાર, ધન, જીવનસાથી અને પાર્ટનરશીપ માટે સારો સમય છે. તમારી ક્ષમતામાં વધારો થશે. તમે લોન લઈ શકો છો.

વૃષભઃ તમારી કુંડળીમાં ગુરુ અગિયારમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તેની દૃષ્ટિ ત્રીજા, પાંચમા અને સાતમા સ્થાન પર પડી રહી છે. તમે નવું સાહસ કરશો. આ સમય તમારા માટે યશ અને કીર્તિનો છે. ઘરમાં સંતાનનું આગમન થશે. જીવનસાથી અને પાર્ટનરશીપ માટે સારો સમય છે. તમારી મહેનતનું ફળ તમને મળશે. આકસ્મિક લાભ થશે. મિલ્કત અથવા માતા સંબંધિત કોઈ ફાયદો થશે. તમે લોન લઈ શકો છે. તમારી જવાબદારીમાં વૃદ્ધિ થશે.

મિથુનઃ તમારી કુંડળીમાં ગુરુ દસમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તેની દૃષ્ટિ બીજા, ચોથા અને છઠ્ઠા સ્થાન પર પડી રહી છે. કારકિર્દી માટે સારો સમય છે. આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. પ્રમોશન મળી શકે છે. મિલકત અથવા માતા સંબંધિત કોઈ મોટો લાભ મળી શકે છે. આરોગ્ય સાચવવું. તમે નાના ભાઈ-બહેનની ફિકર કરશો. આવકની સાથોસાથ ખર્ચ પણ વધશે. સંતાનોનું આરોગ્ય સાચવજો. પ્રેમ સંબંધમાં વાદવિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું.

કર્કઃ તમારી કુંડળીમાં ગુરુ નવમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તેની દૃષ્ટિ પહેલા, ત્રીજા અને પાંચમા સ્થાન પર પડી રહી છે. તમારા ભાગ્ય ઊઘડશે. તમે તમારા જીવનના ખૂબ મહત્ત્વના સમયમાંથી પસાર થઈ રહ્યા છો. તમે કરેલું સાહસ ફળદાયી નીવડશે, ખાસ કરીને બીજી ડીસેમ્બર પછી. ત્યારથી તમારા નાના ભાઈ-બહેન માટે પણ સારો સમય આવશે. માતા અને મિલકત સંબંધિત સુખમાં વૃદ્ધિ થશે. આધ્યાત્મિક સુખ વધશે. આવકમાં વૃદ્ધિ થશે. આકસ્મિક લાભ મળશે. પ્રમોશનના યોગ બને છે.

સિંહઃ તમારી કુંડળીમાં ગુરુ આઠમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તેની દૃષ્ટિ બારમા, બીજા અને ચોથા સ્થાન પર પડી રહી છે. આધ્યાત્મિક દૃષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ સારો છો. તમને વારસાઈ લાભ મળી શકે છે. તમે લાંબા અંતરની યાત્રા કે વિદેશ પ્રવાસ કરી શકો. તમારી આવકમાં વૃદ્ધિ થશે. સંતાનોના આરોગ્યની કાળજી લેજો. માતા અથવા મિલકત સંબંધિત કોઈ લાભ મળી શકે. તમારા માટે પ્રગતિકારક સમય છે. તમે કરેલું સાહસ સફળ થશે. કારકિર્દી માટે ખૂબ સારો સમય છે. ડીસેમ્બરમાં પ્રમોશનના યોગ બને છે.

કન્યાઃ તમારી કુંડળીમાં ગુરુ સાતમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તેની દૃષ્ટિ 11મા, પહેલા અને ત્રીજા સ્થાન પર પડી રહી છે. જીવનસાથી અને પાર્ટનરશિપ માટે સારો સમય છે. તમારી કોઈ અધૂરી ઈચ્છા પૂરી થઈ શકે છે. તમે કરેલું સાહસ સફળ થશે. આવકની સાથે ખર્ચમાં પણ વૃદ્ધિ થશે. માતા અથવા મિલકત સંબંધિત લાભ મળી શકે છે. આ સમયમાં તમે એક મજબૂત વ્યક્તિ તરીકે ઊભરી આવશો. નાના ભાઈ-બહેનના સંઘર્ષનો અંત આવી શકે છે. ડીસેમ્બર મહીનો કારકિર્દી માટે ખૂબ સારો રહેશે. ભાગ્ય તમારો સાથ આપશે. તમે લાંબા અંતરની યાત્રા કરશો.

તુલાઃ તમારી કુંડળીમાં ગુરુ છઠ્ઠા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તે દસમા, બારમા અને બીજા સ્થાન પર દૃષ્ટિ કરી રહ્યો છે. કોર્ટ-કચેરીના વાદવિવાદનો તમારી ફેવરમાં અંત આવશે. તમે લોન લઈ શકો છો. ગળ્યું ખાવાનું ટાળજો અન્યથા સ્વાસ્થ્ય ખરાબ થશે. આવકમાં વૃદ્ધિ થશે સાથોસાથ ખર્ચ પણ વધશે. કારકિર્દી માટે ખૂબ સારો સમય છે. તમે તમારા શત્રુઓને પરાજિત કરશો. પરિવાર માટે સારો સમય છે. નોકરી માટે લાંબા અંતરનો પ્રવાસ થઈ શકે છે. તમે ભાઈ-બહેનના આરોગ્યની ચિંતા કરશે. અન્યથી આર્થિક લાભ થશે.

વૃશ્ચિકઃ તમારી કુંડળીમાં ગુરુ પાંચમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તેની દૃષ્ટિ નવમા, 11મા અને પહેલા સ્થાન પર પડી રહી છે. તમારા ઘરમાં સંતાનનું આગમન થશે. જો સંતાનો મોટા છે તો તેના માટે ખૂબ સારો સમય છે. તમારા ભાગ્યમાં વૃદ્ધિ થશે. આવકમાં અણધાર્યો વધારો થશે. જેટલી મહેનત કરશો એના કરતાં વધારે મળશે. કારકિર્દી માટે ખૂબ સારો સમય છે. અન્યથી આર્થિક લાભ થઈ શકે છે. તમે મોજશોખ પાછળ ખર્ચા કરશો. દામ્પત્ય જીવન કે પાર્ટનરશિપમાં ચાલતા વાદવિવાદનો અંત આવશે. આ સમય તમારા જીવનમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

ધનઃ તમારી કુંડળીમાં ગુરૂ ચોથા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આઠમા, 10મા અને 12મા સ્થાન પર દૃષ્ટિ કરી રહ્યો છે. આધ્યાત્મિક દૃષ્ટિએ તમારા માટે ખૂબ સારો સમય છે. ખર્ચમાં વૃદ્ધિ થશે. અન્યથી આર્થિક લાભ થઈ શકે છે. જો કે તમારી મહેનતના પ્રમાણમાં તમને ઓછું વળતર મળશે. લાંબા અંતરની યાત્રા થઈ શકે છે. કારકિર્દી માટે સારો સમય છે. તમે લોન લઈ શકો છો. તમારી જવાબદારીમાં વૃદ્ધિ થઈ શકે છે. નોકરી અર્થે વિદેશ જવાનું બની શકે છે.

મકરઃ તમારી કુંડળીમાં ગુરૂ ત્રીજા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. સાતમા, નવમા અને 11મા સ્થાન પર તેની દૃષ્ટિ પડી રહી છે. તમારા નાના ભાઈ-બહેન માટે ખૂબ સારો સમય છે. કોમ્યુનિકેશન અને ટ્રાવેલિંગથી તમને લાભ થશે. તમારા પિતા માટે પણ ખૂબ સારો સમય છે. ભાગ્ય તમારો સાથ આપશે. દામ્પત્ય જીવન અને ભાગીદારી માટે સારો સમય છે. કારકિર્દીમાં ઝડપથી પ્રગતિ થશે. આવકમાં વૃદ્ધિ થશે. સાથોસાથ જવાબદારી પણ વધશે. તમે લોન લઈ શકો છો. સંતાનનું આગમન થઈ શકે છે. જો ઘરમાં ઓલરેડી સંતાનો હશે તો તેમના માટે ખૂબ સારો સમય છે.

કુંભઃ તમારી કુંડળીમાં ગુરૂ બીજા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તે છઠ્ઠા, આઠમા અને 10મા સ્થાન પર દૃષ્ટિ કરી રહ્યો છે. તમારા જ્ઞાનનો કોઈ લાભ ન લઈ જાય તે જોજો. કારકિર્દી માટે સારો સમય છે. તમે લોન લઈ શકો છો. તમારી જવાબદારી વધશે. મિલકત સંબંધિત પ્રશ્નનું સમાધાન થઈ શકે છે. તમારા કુટુંબ અને પરિવાર માટે ખૂબ સારો સમય છે. પાર્ટનરશિપ કે જીવનસાથી માટે ખૂબ સારો સમય છે. ભાગ્ય તમારો સાથ આપશે. માતા અથવા મિલકત સંબંધિત લાભ થશે. તમારું સાહસ સફળ થશે.

મીનઃ તમારી કુંડળીમાં ગુરૂ પ્રથમ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તેની દૃષ્ટિ પાંચમા, સાતમા અને નવમા સ્થાન પર પડી રહી છે. ઘરે સંતાનનું આગમન થઈ શકે છે. જો સંતાનો મોટા હશે તો તેના માટે ખૂબ સારો સમય છે. દામ્પત્ય જીવન અને પાર્ટનરશિપના સુખમાં વધારો થશે. આધ્યાત્મ અને ફાયનાન્સ બંને દૃષ્ટિએ તમે સમૃદ્ધ બનશો. થોડો સમય એવું પણ લાગે કે તમારા જીવનસાથી કે બિઝનેસ પાર્ટનર તમારા પર આધિપત્ય જમાવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ તમે ચિંતા ન કરતાં થોડા જ સમયમાં બધું સરખું થઈ જશે. ટ્રાવેલિંગથી ફાયદો થશે. માતા અથવા મિલ્કત સંબંધિત લાભ થશે. તમારા પિતાના જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. તમને અન્યથી આર્થિક લાભ થઈ શકે છે. પિતાના આરોગ્યની કાળજી રાખજો.

એસ્ટ્રોલોજિસ્ટ – કુલદીપ કારિયા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Recent Post

ધન રાશિ

ધન રાશિનું પ્રતીક છે, ધનુર્ધારી અર્ધમાનવ અને અર્ધઅશ્વ. ધન રાશિના જાતકો ધાર્મિક હોય છે. ફિલોસોફર હોય

Read More »

વૃશ્ચિક રાશિ.

વૃશ્ચિક રાશિનું પ્રતીક છે, વીછીં. વૃશ્ચિક રાશિના જાતકોનો સ્વભાવ ડંખીલો હોય છે. તેમનું મન બેચેન રહે

Read More »

તુલા રાશિ

તુલા રાશિનું પ્રતીક છે, ત્રાજવાધારી પુરુષ. તુલા રાશિના જાતકો જીવનમાં સંતુલન રાખીને ચાલનારા હોય છે. તેઓ

Read More »
Scroll to Top